<

કોઈ પણ દેશ કે તેની પ્રજામાં શિક્ષણ, સાહિત્ય, સંગીત, કલા પ્રત્યે અનુરાગ હોવાનો જ. કંઈક આવા જ અનુરાગથી તથા ચોક્કસ હેતુથી પ્રેરાઈને રાજકોટના કેટલાક બુદ્ધિજીવીઓએ 'ગુણ ગ્રાહક મંડળી 'નામે એક નાનકડા પુસ્તકાલયની શરૂઆત તા. 21/04/1856માં કરી હતી. આ પુસ્તકાલયનો પ્રારંભ અંગ્રેજી નિશાળના એક નાનકડા ઓરડામાં થયો હતો. ઇ. સ. 1864માં કોઠી કમ્પાઉન્ડમાં પોતાના મકાનમાં આ પુસ્તકાલય ફેરવવામાં આવ્યું હતું અને ઇ. સ. 1893થી આ પુસ્તકાલય જ્યુબિલી બાગમાં બેસે છે.

ઇ. સ. 1846 થી 1858 સુધી પોલીટીકલ એજન્ટ પદે રહી ચૂકેલા અને લોકપ્રિય થયેલા કર્નલ ડબ્લ્યુ લેંગનું નામ આ પુસ્તકાલય સાથે ઇ. સ. 1864માં જોડાયું ત્યારથી તે લેંગ લાયબ્રેરી તરીકે ઓળખાય છે.

ગુજરાતની પ્રથમ લાયબ્રેરી 1848માં સ્થપાઈ તે હતી વર્નાક્યુલર લાયબ્રેરી.  તે પછી લેંગ લાયબ્રેરીની સ્થાપના થઈ હતી એવો વિદ્વાનોનો મત છે. દુર્ગારામ મંછારામ મહેતા, મણિશંકર જટાશંકર કીકાણી, નવલરામ, કરસનદાસ મુળજી, ડાહ્યાભાઈ દેરાસરી, બ. ક. ઠાકોર, નાનાલાલ વગેરે સાક્ષરો તથા પૂ. ગાંધીજીના પિતાશ્રી કરમચંદ ગાંધી જેવા કેટલાક નામાંકિત દીવાનો પણ આ લાયબ્રેરીના સંચાલનમાં સંકળાયેલ રહ્યાની નોંધ લાયબ્રેરીની મિનિટબુકમાંથી પ્રાપ્ય છે.

લેંગ લાયબ્રેરી ભવનનું આધુનિકરણ

2001ના ભૂકંપને લીધે લાયબ્રેરી ભવનને ઘણી જગ્યાએ ભાંગતૂટ થઈ હતી. તેમાં તાત્કાલીક સમારકામો તથા પિલર પર લોખંડના પટ્ટાઓ લગાવીને દુરસ્તી કરવામાં આવી હતી. આ પ્રકારનું કામકાજ માત્ર કામચલાઉ હતું. જ્યુબિલી બાગમાં 1893માં બનેલું સંસ્થાનું વિશાળ     ભવન તેના કલાત્મક વિક્ટોરિઅન સ્ટ્રક્ચર તથા ગોથિક આર્કને લીધે ઉત્કૃષ્ઠ બાંધકામના નમૂનારૂપ છે. આ બાંધકામમાં  કે તેના દેખાવમાં કોઈપણ પ્રકારનું પરિવર્તન કર્યા વગર લાયબ્રેરીને આધુનિક વાંચનખંડ મળે અને તેમાં વચ્ચે સ્પેસ ફ્રેમ દ્વારા એક મજબૂત માળખું ઊભું કરીને આધુનિક પ્રકાશની વ્યવસ્થા કરીને વધુ સુવિધા કરી શકાય તેવો એક મેઝેનાઇન ફ્લોર બનાવવાનું નક્કી કર્યું હતું. આ માટે તજજ્ઞ આર્કિટેક્ટો -વાસ્તુસંઘના શ્રી જયેશભાઇ બક્ષી, શ્રી કમ્લેશભાઈ ગોહેલ, શ્રી કિરીટભાઈ ડોડીયા તેમજ શ્રી મયુરભાઈ વૈશ્નવ વગેરેની ખાસ મદદ લેવામાં આવી હતી અને ઘણા બધા પ્લાનમાંથી સર્વસંમત પ્લાનને આખરી સ્વરૂપ આપવામાં આવેલ. આ પ્લાન તૈયાર કરવામાં વિશ્વની આધુનિક લાયબ્રેરીઓના પણ પ્લાન જોયા હતા.  અને આર્કિટેક્ટે આ માટેનો ખાસ ઓડિયો વીડિયો શૉ પણ તૈયાર કર્યો હતો અને પ્લાન મુજબનું સ્ટ્રક્ચર તૈયાર થાય ત્યારે તેનો દેખા કેવો થશે તેનો મોડેલ લે આઉટ પણ તૈયાર કર્યો હતો. કેટલીક મુશ્કેલીઓ બાદ આ પ્રકારનું માળખું તૈયાર કરવામાં આવ્યું છે. 

હાલ માં લાયબ્રેરી ની લાકડાની સીલિંગ સડી ગયેલ હોઈ તેના રિનોવેશન નું કામકાજ ચાલુ છે.